ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ મુંબઈમાં યોજાયેલી વિજય પરેડમાં ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે ત્યાંની સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાં મોટી ભીડ બેકાબૂ થવાના કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે તેમ હતી. T20 વર્લ્ડ કપની વિજય પરેડ પછી, મુંબઈના મરીન ડ્રાઈવ પર જૂતા અને ચપ્પલ વેરવિખેર જોવા મળ્યા હતા
ભારતીય ક્રિકેટ ટીમે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ મુંબઈમાં યોજાયેલી વિજય પરેડમાં ભારે ભીડ જોવા મળી હતી. જેના કારણે ત્યાંની સ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાં મોટી ભીડ બેકાબૂ થવાના કારણે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે તેમ હતી. T20 વર્લ્ડ કપની વિજય પરેડ પછી, મુંબઈના મરીન ડ્રાઈવ પર જૂતા અને ચપ્પલ વેરવિખેર જોવા મળ્યા હતા. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાં ભેગા થયેલા ઘણા ફેન્સની હાલત ખરાબ થઈ ગઈ હતી. કેટલાક ઘાયલ થયા હતા અને કેટલાકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
કોઈ પણ જીતની ઉજવણી કરવી એ સારી વાત છે, પરંતુ જો આ રીતે ઉત્સાહ બેકાબૂ થઈ જાય તો મોટી દુર્ઘટના થવાનું જોખમ રહેલું છે. ગુરુવારે સાંજે મુંબઈમાં યોજાનાર T20 વર્લ્ડ કપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના રોડ શો માટે પોલીસે મોટી સુરક્ષા વ્યવસ્થા કરી હતી. ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ગુરુવારે સવારે ભારત પરત ફરેલી વિશ્વ ચેમ્પિયન ભારતીય ટીમે ખુલ્લી બસમાં રોડ શોમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ દક્ષિણ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિજય પરેડ દરમિયાન ખરાબ તબિયતના કારણે 10 લોકોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. અહીં આઠ લોકોને સારવાર આપીને તાત્કાલિક રજા આપી દેવામાં આવી, જ્યારે બે લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, દાખલ બે લોકોમાંથી એકને ફ્રેક્ચર છે. બીજાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. પોલીસે જણાવ્યું કે ભારે ભીડને કારણે એક છોકરી બેહોશ થઈ ગઈ જેને મુંબઈ પોલીસે રેસ્ક્યુ કરીને બહાર કાઢી.
સાંજે 5 થી 7 વાગ્યાની વચ્ચે નરીમાન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થવાની ધારણાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે અત્યંત સાવચેતી રાખી હતી. નરીમાન પોઈન્ટ અને વાનખેડે સ્ટેડિયમ વચ્ચે મરીન ડ્રાઈવ પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરી હતી.
આ પહેલા ભારતીય ક્રિકેટ ટીમ ખાસ વિમાન દ્વારા બાર્બાડોસથી સ્વદેશ પરત ફરી હતી. સતત ઝરમર વરસાદ વચ્ચે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ચાહકો દ્વારા ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારે સુરક્ષા વ્યવસ્થા હતી જેના કારણે ચાહકો ખેલાડીઓની નજીક જઈ શક્યા ન હતા. વાવાઝોડા બેરીલને કારણે ભારતીય ટીમની બાર્બાડોસથી પરત ફરવામાં વિલંબ થયો હતો.
Comments 0