ભંગાર - પસ્તીના ગોડાઉન કરતા પણ રેકોર્ડ રૂમની બદતર હાલત, સાપ, ઉંદર અને નોળિયાનો કબજો
ભંગાર - પસ્તીના ગોડાઉન કરતા પણ રેકોર્ડ રૂમની બદતર હાલત, સાપ, ઉંદર અને નોળિયાનો કબજો
વલ્લભીપુર શહેરમાં આવેલા સેવા સદનની હાલત બદથી બદતર થઈ ગઈ છે. આ બિલ્ડિંગમાં ઠેર ઠેર ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે. વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે નગરપાલિકાનાનાં મહત્વનાં રેકોર્ડ પાલીકાના શૌચાલયમાં ખડકવામાં આવ્યા છે.
આ બાબતે સ્થળ પર એકાઉન્ટ વિભાગમાં તપાસ કરતા મુખ્ય અધિકારી ભાવનગર મિટિંગમાં ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, રેકોર્ડ રૂમની અવદશા કેમેરાના કચકડે કંડારવાની વાત કરતા ઓફિસમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વૈશાલીબેન ડોડીયાએ રેકોર્ડ રૂમ ખોલી નહી આપવાનો હઠાગ્રહ રાખ્યો હતો. આ વૈશાલીબેન પાંચેક વરસ પહેલા વહીવટી પ્રક્રિયામાં મદદ કરવા આવ્યા હતા જેઓ હવે અઠેદ્વારકા કરીને માતબર પગારે કાયમી નોકરિયાતની જેમ કચેરીમાં ગોઠવાઈ ગયા છે. આવા ત્રણેક જેટલા હંગામી કર્મચારીઓ કાયમી નોકરિયાતની જેમ બા-કાયદા પગારદાર બની ગયા છે. જેની નિષ્પક્ષ તપાસ થાય તો મહેકમ ભરતીનું કૌભાંડ પણ બહાર આવે એવી શક્યતા સેવાઈ રહી છે.
તાલુકા પંચાયતની રેકોર્ડ ઓફિસમાં અન્ય જગ્યાએ તપાસ કરતા અનેક જરૂરી દસ્તાવેજો ધૂળ ખાતા નજરે પડ્યાં હતાં. કહેવાતા રેકોર્ડ રૂમમાં સાપ, ઉંદર અને નોળિયા ફરતા જોવા મળ્યા હતા. મહત્વના રેકર્ડ ઉંદરો કાતરી ગયા હોવાનું પણ જોવા મળ્યું હતું. આ બાબતે તાલુકા વિકાસ અધિકારીને પૂછતા તેઓએ કંઈ પણ બોલવાનો ઇન્કાર કર્યો હતો. વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે, નગરપાલિકાના ઘણા મહત્વના દસ્તાવેજો તો પાલીકાના ટોયલેટમાં ખડકવામાં આવ્યા છે.
તાજેતરમાં જ કલેકટર તેમજ ડેપ્યુટી કલેકટરે 1981 થી 1983ની સાલના જિલ્લા પંચાયતના રેકોર્ડ કોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો હતો. જો કે, વલ્લભીપુર તાલુકા અધિકારીને લાખ શોધવા છતાં આ રેકોર્ડ મળ્યા ન હતા. અગત્યના રેકોર્ડની જાળવણી પણ અણધડ રીતે કરવામાં આવતી હોવાનું ધ્યાને આવ્યું છે. હાલમાં જ વલ્લભીપુર પાલિકાના પ્રમુખ વલ્લભ કાંબડે કોઈ અગમ્ય કારણોસર રાજીનામું આપ્યું છે. પાલિકામાં ચીફ ઓફિસર પણ નથી. નવા ચીફ ઓફિસર પદે અગાઉ ફરજ બજાવી ગયેલા વિજય ચંદ્ર પંડિતની નિમણુંક કરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલ તો વલ્લભીપુર શહેર ધણીધોરી વગરનું થઈ ગયું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.
આ ઉપરાંત વલ્લભીપુર શહેરમાં જિલ્લા પંચાયત હસ્તકની સાર્વજનિક ધર્મશાળાના નામે જે જગ્યા આવેલી છે તે જગ્યાનો સ્થાનિક નેતાઓએ ગેરકાયદે કબજો કરી લીધો છે. યાત્રીઓને વિસામા માટે ફાળવાયેલી ધર્મશાળાની આ જગ્યા ભાડે આપી દેવાઈ છે જ્યાં હાલ તો પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું કાયમી સેલ ચાલુ છે અને બાજુમાં જ આવેલી જિલ્લા પંચાયતની જગ્યામાં ઝેરોક્ષ સહિતની દુકાનો ધમધમી રહી છે. સ્થાનિક નેતાઓ અને અધિકારીઓની મિલી ભગતથી વલ્લભીપુરની સરકારી જગ્યાઓ સબ ભૂમિ ગોપાલ કી હોય એવો તાસીરો ઊભો થયો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0