ધારાસભ્ય કાંધલ જાડેજા એ જાત માહિતી મેળવીને જવાબદારો સામે પગલાં ભરવાની કરી ઉગ્ર રજૂઆત
ધારાસભ્ય કાંધલ જાડેજા એ જાત માહિતી મેળવીને જવાબદારો સામે પગલાં ભરવાની કરી ઉગ્ર રજૂઆત
ગુજરાતમાં એક પછી એક વહીવટીતંત્રની પોલ ખોલતાં સમાચારો છાસવારે માધ્યમોમાં ચમકતા રહે છે. ત્યારે વધુ એક પોલંપોલના વાવડ કુતિયાણાથી સામે આવ્યા છે. કુતિયાણા નગરપાલિકાના શાસકો સામે પુરાવાઓ સાથે ગંભીર આરોપો લાગ્યા છે. આ આરોપો ખુદ રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્યએ જ લગાવ્યા છે. આરોપ મુજબ પાલિકાના ઘોરખોદીયા અધિકારીઓએ કાગળ પર બગીચો બતાવી બગીચા માટે ફાળવેલી 18.85 લાખ રૂપિયાની રકમ કટકટાવી ગયા છે. કાગળ પર દર્શાવેલા બગીચાની જમીન પર તો હાલ ઉકરડાંના ગંજ ખડકાયા છે. જ્યાં રેઢિયાળ પશુઓ કચરો ઝાપટવા એકઠા થાય છે.
ધારાસભ્યએ તેમની લેખિત ફરિયાદમાં નગરપાલિકાઓના કમિશનર અને પ્રાદેશિક કમિશનરને જણાવ્યું છે કે આ મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે અને આગામી ચૂંટણી પહેલાં જ અધિકારીઓને ગેરલાયક ઠેરવવામાં આવે. લેખિત ફરિયાદમાં વધુમાં જણાવ્યુ હતુ કે, કુતિયાણા પાલિકામાં લાંબા સમયથી ગેરવહિવટ અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એવી અનેક ફરિયાદો મળતાં ધારાસભ્ય તરીકે હકીકતો જાણવાની ફરજના ભાગરૂપે નગર સેવાસદન પાસેથી આર.ટી.આઇ. હેઠળ વિવિધ મુદ્દાઓ હેઠળ વિવિધ માહિતીઓ મેળવી છે. તેમાં ઘણી બધી માહિતીઓ છુપાવવામાં આવી છે. તેમ છતાં ઉપલબ્ધ માહિતી મુજબ પ્રમુખ, કેટલાક સભ્યો અને કર્મચારીઓ દ્વારા અલગ અલગ ગ્રાન્ટના નાણાંનો ખોટા અને બનાવટી પુરાવાઓ ઉભા કરીને ગેરરીતિઓ કરવામાં આવી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. તેથી સ્થળ ઉપર રૂબરૂ આવીને પંચરોજકામ કરીને અને જાણકાર વ્યક્તિઓના નિવેદનો લઇને ઝીણવટભરી તપાસ કરવાનું જરૂરી હોવાનું ધારાસભ્ય કાંધલ જાડેજાએ ફરિયાદમાં જણાવ્યું છે.
તેમણે ઉમેર્યું કે બે જગ્યાએ બાગ બગીચા, ખેલકૂદની જગ્યા અને બગીચો બનાવવાના કામ માટે 20.62 લાખ રૂપિયાનો ખર્ચ થયાનું દર્શાવાયું છે તે વાત ઉપજાવી કાઢેલી છે. આ કહેવાતા બગીચામાં ગામનો કચરો ફેંકવામાં આવે છે, જેમાં રખડતા પશુઓ કચરો ખાય છે. આ અંગેના ફોટોગ્રાફ્સ પણ રજૂ કરાયા છે. બગીચાની ખોટી અને અધુરી માહિતી ચીફ ઓફિસર દ્વારા આપવામાં આવી છે તેથી તપાસ કરીને તમામ વિરૂધ્ધ ત્વરિત શિક્ષાત્મક પગલા લેવા જરૂરી છે. ઉપરાંત, સામેલ કોન્ટ્રાકટર્સને પણ બ્લેક લિસ્ટ કરવામાં આવે, અને ન થયેલા કામના ખોટા બિલો બનાવી સરકારી રકમ ચાંઉ કરી ગયેલ હોય તો તેઓ સામે પણ પગલા ભરવા જોઇએ. કહેવાતો બગીચો બનાવવામાં આવેલ જ નથી અને તેના નામે પુરેપુરી રકમનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાની શકયતા છે. આવા કહેવાતા બગીચાઓની જાળવણી માટે અને રમતગમતના સાધનો પાછળ પણ લાખો રૂપિયાના ખર્ચાઓ બતાવી સતત ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો હોવાની આશંકા છે તેથી પાલિકાના પ્રમુખ તથા સભ્યો આગામી ચૂંટણી માટે ગેરલાયક ઠરાવવા જોઇએ, તમામ પાસેથી આવી રકમ સંયુકત રીતે અને વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવી વસુલ કરવી જોઇએ અને પાલિકાનું તમામ રેકોર્ડ કબ્જે કરવુ અત્યંત જરૂરી છે, જેથી તેમા કોઇ ચેડા કરી શકે નહીં.
ધારાસભ્યએ આર.ટી.આઇ. મારફત મળેલી માહિતી પત્રકારો સમક્ષ રજૂ કરીને જણાવ્યુ હતુ કે પસવારી રોડ પાસે આવેલ બગીચો બનાવવાના કામ માટે 10.08 લાખનો ખર્ચ થયેલ છે, જે રકમમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યાની શંકા હોવાથી સ્થળ ઉપર રૂબરૂ તપાસ થવી જોઈએ. આ બગીચામાં બાળકો માટે ચકરડી નાખવાના કામ પાછળ 47000નો ખર્ચ દર્શાવાયો છે પરંતુ ચકરડી માટે કહેવાતો ખર્ચ થયો નથી. અહીં પેવરબ્લોક તથા કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ માટે 8.30 લાખનો ખર્ચ થયો છે, જે રકમમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું દેખાતું હોવાથી તપાસ થવી જરૂરી છે. દેવાંગી હોટલ સામે બગીચો બનાવવાના કામ માટે 20.62 લાખનો ખર્ચ થયેલ છે પરંતુ ત્યાં બગીચો બનાવવામાં આવ્યો જ નથી!
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0