ટેકનોલોજીએ આપણા માનવ સંબંધોમાં નવી રંગોળી પૂરી
ટેકનોલોજીએ આપણા માનવ સંબંધોમાં નવી રંગોળી પૂરી
છેલ્લા ઘણા સમયથી વાતાવરણનું અર્થઘટન કરવામાં ભારતીય વૈજ્ઞાનિકો અને હવામાન શાસ્ત્રીઓ પણ ગોથા ખાઈ રહ્યા છે. એક તરફથી જે માવઠાઓની આગાહી થાય છે એ બહુ ટૂંકા ગાળાની હોય છે પરંતુ એક એક ડગલું ચાલતા લગભગ આખો ઉનાળો હાથમાંથી સરી ગયો છે. ચૈત્ર અને વૈશાખ - આ બે મહિના તો ગ્રીષ્મના અસલ મહિનાઓ છે. પરંતુ આ મહિનાઓમાં જ ગરમી અને વરસાદ બેય પડ્યા છે. આ બે મહિના મુખ્ય મહિનાઓ છે અને આ સમયગાળામાં જ આકાશ વારંવાર વાદળછાયું રહ્યું છે.
એને કારણે વનસ્પતિઓ અને એને આધીન જીવ સૃષ્ટિમાં ન દેખાય એવા અનેક ફેરફારો થયા છે.સામાન્ય રીતે આકરો તડકો જીવ સૃષ્ટિમાં નવા ઉત્પન્ન થયેલા સંખ્યાબંધ વાયરસ અને અમીબા કક્ષાના એકકોષીય કે દ્વિ કોષીય જીવોનો વિનાશ કરે છે. પરંતુ તડકા-છાંયાની રમતને કારણે અનેક પ્રકારની ઉપદ્રવી સૂક્ષ્મ જીવ સૃષ્ટિ ટકી ગઈ છે જે આગામી ચોમાસામાં અધિક સંખ્યામાં દ્વિગુણિત થઈને વાતાવરણને વધુ રોગદાયક બનાવશે.
માવઠાની સૌથી ગંભીર અસર એ છે કે બંગાળના અખાત અને અરબી સમુદ્ર તથા હિન્દ મહાસાગરમાં દર વર્ષે બાષ્પીભવન જે રીતે થતું હોય છે એમાં બહુ મોટો અંતરાય આવ્યો છે. કેટલાક બાહ્યાચાર બદલાયા છે અને ટેકનોલોજીએ આપણા માનવ સંબંધોમાં નવી રંગોળી પૂરી છે. તો પણ ભારતીય સંસ્કૃતિનો આત્મા હજુ એનો એ જ રહ્યો છે. પરંતુ હવામાન એટલું બદલાઈ ગયું છે કે એને સ્વીકારતા માણસજાતને સમય લાગશે. આમ તો છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ભારતીય પ્રજા હવામાન ઉપરાંત એક ન સમજાય તેવા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે. હજુ સુધી એમાંથી કોઈ એવો સ્પષ્ટ માર્ગ એને મળી આવ્યો નથી કે જે ચોક્કસ ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય.
હજુય આર્થિક બાબતોમાં ભવિષ્ય પરત્વે લોકમાનસમાં ધુમ્મસ છવાયેલું છે. આ પરિસ્થિતિ વચ્ચે ગત ચોમાસામાં મેઘરાજાએ રાજાઓના રાજા તરીકેની ભૂમિકા અદા કરીને અનવરત વરસાદ ભારત પર વરસાવ્યો હતો. આ વરસે જોખમ દેખાય છે. ભર ઉનાળે વહેલી સવારની ખુશનુમા આબોહવામાં આહલાદક શીતળતા છવાયેલી છે. ગયા ચોમાસામાં જે સારો વરસાદ થયો એને કારણે ક્યાંક અતિવૃષ્ટિ પણ થઈ, પરંતુ રાષ્ટ્રીય સરેરાશ જુઓ તો છેલ્લા ચોમાસાનો વરસાદ એક ચમત્કાર જ હતો. કારણ કે તમામ નદીઓ, તળાવો અને ડેમ છલકાઈ ગયા હતા. ઉપરાંત ભૂગર્ભના જળ પણ ઘણાં ઊંચે આવી ગયા છે. વસુંધરા મેઘજળથી પરિતૃપ્ત થઈ હતી જે શક્યતા આગામી ચોમાસામાં ઓછી રહેશે.
ભારત વિશ્વના નકશામાં એક કન્ઝ્યુમર કન્ટ્રી છે. આપણી આટલી વિરાટ જનસંખ્યા માટે એના મુખ્ય જીવનધારા નિભાવવા ચીજવસ્તુઓની ખરીદી અને વેચાણ અનિવાર્ય છે. એને કારણે ઉત્પાદન પ્રક્રિયા પણ અનિવાર્ય છે અને એ જ કારણસર દેશના અર્થતંત્રનું ગતિમાન રહેવું પણ સ્વાભાવિક છે. એને કારણે ભારતીય બજારોમાં તેજી આવવાની સંભાવના છે.
ભારતમાં વિવિધ સરકારોએ અગાઉ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને ચીન, અમેરિકા, ફ્રાન્સ અને સ્પેનની જેમ દેશને ઔદ્યોગિક ઉત્ક્રાંતિવાદ તરફ લઈ જવાનો જબરજસ્ત પ્રયત્ન વારંવાર કર્યો છે તો પણ ભારતના અર્થતંત્રની મુખ્ય આધારશીલા હજુ સુધી ઉદ્યોગો બની શક્યા નથી. ઉદ્યોગો માત્ર અર્થતંત્રમાં સહાયક ભૂમિકા જ નિભાવતા રહ્યા છે. આજે પણ ભારતનું કૃષિક્ષેત્ર જ અર્થતંત્રની મુખ્ય કરોડરજ્જુ છે. ખેડૂતો અને પ્રકૃતિ તથા ખેડૂતોની પોતાની પ્રકૃતિ - એમ ઘણું બધું બદલાયું છે.
જમીન માલિકો બધા જ ખેડૂતો નથી. મોટાભાગના ખેતીના વહીવટદારો છે અને ખેતી તો દિવસ-રાત મહેનત કરતા ખેતમજૂરોના હાથમાં જતી રહી છે. તો પણ ભારતમાં ખેતી પરંપરાગત રીતે અને સમજણપૂર્વક થાય છે. ભલે ખેતીનું પૂર્ણતઃ આધુનિકરણ ન થયું હોય અને જમીન માલિકોની નવી પેઢી ખેતીથી વિમુખ હોય તો પણ જે રીતે ખેતી કરવામાં આવે છે તે રીત હજારો વર્ષોના અનુભવ પછી નીપજેલી પ્રણાલિકા પ્રમાણેની છે.
ગત એપ્રિલથી ચાલુ થયેલું નવું નાણાંકીય વર્ષ ભારત માટે વ્યાપાર, વાણિજ્ય, સાર્વત્રિક વિકાસ અને સરહદી સમસ્યાઓના સંદર્ભમાં મહત્ત્વનું છે. આ એક એવું વરસ શરૂ થયું છે જેમાં નેતાઓની, પ્રજાની અને બુદ્ધિમાન ગણાતા સરકારના પ્રતિનિધિ જેવા વરિષ્ઠ અધિકારીઓની ખરેખરી કસોટી છે. ભારતીય પ્રજા એક શ્રદ્ધાવાન પ્રજા છે. એના હૃદયમાં ઊંડે ઊંડે સાત્વિકતા, પરોપકાર અને ધર્મપ્રિયતા છે. દેશના કેટલાક રાજપુરુષો પ્રજાની લાગણી સાથે ક્યારેક રમત રમે છે અને જનજીવન ડહોળે છે.
એના ઉદાહરણો એક શોધવા જતા અનેક મળે તેમ છે. તો પણ ભારતીય પ્રજાના અંતઃકરણના જળ હજુ એવા ને એવા જ નિર્મળ, વિશુદ્ધ અને આછરેલા છે. ભીતરના જળ હજુ ડહોળાયા નથી અને એ જ સમગ્ર ભારતની રાષ્ટ્ર તરીકેની સૌથી મોટી તાકાત છે, જેની ઈર્ષા આપણા પાડોશીઓ અને દુનિયાના અનેક દેશો નિરંતર કરી રહ્યા છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0