રૂખડિયા પરામાં એક વર્ષ પૂર્વેનો ઝઘડાનો ખાર રાખી માજી અને તેના સગરીતોએ ફરિદા શેખના ઘર પર પથ્થર મારો અને સોડા બોટલના ઘા કર્યા હતા
રૂખડિયા પરામાં એક વર્ષ પૂર્વેનો ઝઘડાનો ખાર રાખી માજી અને તેના સગરીતોએ ફરિદા શેખના ઘર પર પથ્થર મારો અને સોડા બોટલના ઘા કર્યા હતા
રાજકોટ શહેર જાણે ગુનેગારોના હવાલે કરી દેવાયું હોય તેવો દિન પ્રતિદન માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસને ધાક ઓસરી હોય તેમ અગાઉ અનેક વખત પોલીસ ચોપડે ચડી ચુકેલા લુખ્ખા તત્વો બેખોફ ગુના આચરી રહ્યા છે. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે ગત મોડી રાતે પોલીસ તંત્ર હચમાચવતી ઘટના બનવા હતી.. જેમાં પોલીસે જે ટોળકી સામે ગુજસીટોકનો ગંભીર ગુનો દાખલ કર્યો હતો. તે ગુનામાંથી છુટેલા માજીદ ઉર્ફ ભાણું આણી ટોળકીએ પહેલા રૂખડીયાપરામાં ફરિદા શેખના ઘર પર પથ્થરમારો કરી સોડા બોટલના ઘા કર્યા હતા. ત્યાર બાદ તેને ઝડપવા ગયેલી પોલીસ ઉપર પણ સોડા બોટલ અને પથ્થરોના ઘા ઝીકાયા હતા. એટલું જ નહીં ૧૦થી ૧૨ શખ્સોની લુખ્ખા ટોળકીએ પોલીસ જવાનોને દોડાવી દોડાવીને માર પણ માર્યો હતો. જે ઘટના જાહેર કરાતા સ્લમ ક્વાર્ટર વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા. ડીસીપી, એસીપી, પીઆઇ, જવાનો સહિતના કાફલાએ કોમ્બીંગ કર્યુ હતું. પરંતુ માથાભારે ટોળકી નાશી જવામાં સફળ રહી હતી.
મળતી માહિતી મુજબ સાત વર્ષ પૂર્વે આતંકનું સામ્રાજય ઉભુ કરી હત્યા નીપજાવનાર ભીસ્તીવાડની ટોળકી સામે કડક કાયદા ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાર બાદ આ ગંભીર કાયદાની ચુંગાલમાંથી પણ છટકીને જામીન પર આવેલા માજીદ ઉર્ફે ભાણું આણી ટોળકીએ ફરી લખણ ઝળકાવવાનું શરૂ કર્યુ હતું. જેમાં ગત રાત્રીના માજીદ ઉર્ફે ભાણું તેનો સાગરીત સાવન ઉર્ફે લાલી, સમીર ઉર્ફે ધમો, સાહીર ભુરો તથા એક અજાણ્યો શખ્સ રૂખડીયાપરામાં મેલડી માતાના મંદિર પાસે રહેતી ફરિદાબેન જુસબભાઇ શેખના ઘર પાસે ધસી ગયા હતા. ત્યાં જઇ આ ટોળકીએ જોરજોરથી બુમો પાડી ફરિદાબેનના પુત્ર સાજીદને બોલાવતા હતા. ત્યારે ફરિદાબેન બહાર નીકળતા તેણે આ શખ્સોને છરી, ધોકા જેવા હથિયારો સાથે જોયા હતા. ત્યારે ફરિદાબેને માજીદ ઉર્ફે ભાણુંને પૂછ્યું હતું કે સાજીદનું શું કામ છે? ત્યારે માજીદે કહ્યું હતુ કે, તમને બધાને બહુ હવા છે, તેમ કહી ગાળા ગાળી કરવા લાગતા ફરિદાબેન તેમના ઘરમાં ચાલ્યા ગયા હતા. જેથી ઉશ્કેરાઇ જઇ માજીદ અને તેની ટોળકીએ ફરિદાબેનના ઘર પર સોડા બોટલના ઘા કર્યા હતા. થોડીવાર માટે ભયનું સામ્રાજય ઉભુ કરી દીધું હતું. આ ઘટના પાછળ ફરિદાબેને કહ્યુ હતુ કે, એક વર્ષ પહેલા તેમના જમાઇ સબીરના નાનાભાઇ અનવરને બજરંગ વાડી ખાતે માજીદ અને તેના મિત્રો સાથે માથાકુટ થઇ હતી. તે બાબતનો ખાર રાખીને ટોળકી દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું. ભય ફેલાતા ફરિદાબેને તુરંત પ્રદ્યુમનનગર પોલસને જાણ કરી હતી. આથી પોલીસ કાફલો રૂખડીયા પરામાં દોડી ગયો હતો. ત્યાં પૂછપરછ દરમિયાન માજીદ ઉર્ફે ભાણું અને તેની ટોળકી અંગે વાત કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ ઘટના બન્યા બાદ માજીદ ઉર્ફે ભાણું, સાવન ઉર્ફે લાલી સહિતની ટોળકી સ્લમ ક્વાર્ટર વિસ્તારમાં જોવા મળી હતી. આથી પ્રદ્યુમનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ રીયાઝ મહમદભાઇ ભીપૌત્રા અને એએસઆઇ ખાંભલા, કોન્સ્ટેબલ મયુરસિંહ જાડેજા તે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે આ માહિતી મળતા રીયાઝભાઇ અને તેમની સાથે કોન્સ્ટેબલ મયુરરાજસિંહ જાડેજા જામનગર રોડ સાંઢીયાપુલ સ્લમ ક્વાર્ટર વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા ત્યારે કમિટી ચોક પાસે માજીદ રફીક ભાણુ તથા તેની ટોળકી જોવા મળી હતી. તમામ ૧૦થી ૧૨ શખ્સો પાસે હાથમાં લાકડાના ધોકા અને પાઇપ જેવા હથિયારો હતો. ત્યારે કોન્સ્ટેબલ રિયાઝે માજીદને બોલાવી તેમની પોલીસ તરીકેની ઓળખ આપતા માજીદ ભાણુએ કહ્યું કે, ‘તું પોલીસ હોય તો શું થયું? અમે આ વિસ્તારના ડોન છીએ’ તેમ કહી ઝઘડો કરવા લાગેલ જેથી પોલીસ જવાનોએ ઝઘડો ન કરવાનું સમજાવતા ઉગ્ર બોલાચાલી કરી અમારા વિસ્તારમાં કેમ આવ્યા છો, તેમ કહીને ઝપાઝપી શરૂ કરી હતી. જેથી જીવ બચાવવા કોન્સ્ટેબલ રિયાઝ અને કોન્સ્ટેબલ મયુરરાજસિંહ ત્યાંથી ભાગવા લાગ્યા હતા. ત્યારે પણ શખ્સોએ ગાળો ભાંડી ઢીકા પાટુ માર્યા હતા અને છુટા પથ્થર તથા સોડા બોટલના ઘા કર્યા હતા. એક સમયે બન્ને પોલીસ જવાનો જીવ બચાવવા તેઓ બન્નેના બાઇક ત્યાં મુકીને નાશી છુટ્યા હતા. ત્યાર બાદ પોલીસ મથકને જાણ કરાતા પીઆઇ ડોબરીયા, પીએસઆઇ બેલીમ, એએસઆઇ ખાંભલા સહિતનો કાફલો સ્લમ ક્વાર્ટર વિસ્તારમાં દોડી આવ્યો હતો.
ભીસ્તીવાડની આ ટોળકીએ પોલીસ જવાનોના બન્ને વાહનો પર ધોકા-પાઇપ ફટકારી પથ્થરોના ઘા કરી બુકડો બોલાવી નાખ્યો હતો. રીતસર આંતકનું સામ્રાજય ઉભુ કરી દીધુ હતું. જેથી ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ અને બહોળો પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. રાત્રીના ૩ વાગ્યના અરસામાં સમગ્ર વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ હવાની માફક માજીદ ભાણુ આણી ટોળકી અદ્રશ્ય થઇ ગઇ હતી. આ બબાલ અને પોલીસના મોટા કાફલના કારણે રાત્રીના પણ વિસ્તારમાં લોકો જાગી ગયા હતા અને માજીદ ભાણુ ટોળકીના ખેલ નીહાળ્યા હતા. હાલ પોલીસે આ ટોળકીને ઝબ્બે કરવા ચો તરફ દરોડાનો દોર શરૂ કર્યો છે.
સાત વર્ષ પૂર્વે સમાજ અગ્રણીના પુત્રની હત્યા બાદ ભીસ્તીવાડની ગેંગ સામે ગુજસીટોક થયેલ
રાજકોટ શહેરમાં સાત વર્ષ પૂર્વે ભીસ્તીવાડની ગેંગ દ્વારા મુસ્લીમ સમાજના અગ્રણી હાજીબાબુ જાન મહમદના પુત્ર અજગર જુણેજાની ધર્મેન્દ્ર રોડ પર જલારામ નાસ્તા ગૃહ પાસે હત્યા નીપજવામાં આવી હતી. ત્યાર બાદ તે સમયે સરકારે ગુજસીટોકનો કાયદો અમલી બનાવતા ભીસ્તીવાડની ગેંગ સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરી જેલમાં ધકેલી દેવાયા હતા.
કાયદો અમલી થયા બાદ ગુજસીટોકનો બીજો ગુનો ભીસ્તીવાડની ગેંગ સામે નોંધાયેલો
ગુજરાત રાજ્યમાં ગુજસીટોકનો કાયદો અમલી થયા બાદ તમામ જિલ્લાની પોલીસને ગેંગ સામે કાર્યવાહી કરવા સરકારમાંથી આદેશો છુટયા હતા. ત્યારે રાજકોટ પોલીસે ગુજસીટોકનો પહેલો ગુનો લાલો રાઉમાં ગેંગ સામે નોંધ્યો હતો અને બીજો ગુનો ભીસ્તીવાડની ગેંગ સામે નોંધવામાં આવ્યો હતો.
માજીદ ભાણુ એક વર્ષ પૂર્વે જામીન પર છુટ્યા બાદ ત્રીજી વારદાતને અંજામ આપ્યો
ભીસ્તીવાડની ગેંગના માથાભારે શખ્સ માજીદ ઉર્ફે ભાણુ જામીન પર એક વર્ષ પૂર્વે છુટ્યો છે. અગાઉ તેની સામે ગુજસીટોક થેયલ હોવા છતા પણ પોલીસનો ડર રાખ્યા વગર ફરી ગુના આચરવાનું શરૂ કર્યુ હતું. એક વર્ષની અંદર અગાઉ બે મોટી વારદાતને અંજામ આપ્યું હતું અને ગત રાત્રીના ત્રીજી ઘટના બનવા પામી છે. આથી આવા શખ્સોને કાયમ માટે ભો ભીતર કરવાની તાતી જરૂર ઉભી થઇ છે.
માજીદ ઉર્ફે ભાણુએ રૂખડીયામાં ગાંજી વેચતા પિતા-પુત્ર સાથે પહેલા માથકુટ કરી હતી
ભીસ્તીવાડની ગેંગના માજીદ ઉર્ફે ભાણુ આણી ટોળકીએ ગત રાત્રીના રૂખડીયાપરામાં ફરિદા શેખના ઘર પર પથ્થર મારો કર્યા બાદ સ્લમ ક્વાર્ટર વિસ્તારમાં પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. જે બન્ને ઘટના અંગે ગુના દાખલ કરાયા છે. ત્યારે વધુમાં જાણવા મળ્યા મુજબ, માજીદ ઉર્ફે ભાણુ અને સાવન ઉર્ફે લાલી બન્ને ગાંજાની ટેવ વાળા હોય ગાંજો લેવા માટે રૂખડીયાપરામાં ગાંજો વેચતા પિતા-પુત્ર પાસે ગયા હતા. ત્યાં પણ ગાંજા બાબતે બન્ને શખ્સોએ માથાકુટ કરી હોવાનું જાણવા મળ્યું છે. તે સંદર્ભે પોલીસમાં અરજી થઇ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0